top of page

ટીવી સીરીયલની અસર... માનવા લાગી કે તેના પેટમાં છે બાળક, વાંચો રાજકોટનો ચોંકાવનારો કિસ્સો


મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ, સુજોક એસોશિએશન અને જે.સી.આઈ રાજકોટ યુવા દ્વારા કોરોના કાળમાં ચિંતા, હતાશા, અનિન્દ્રા, સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા માનસિક રોગોના શિકાર થયેલ લોકો માટે મનોનિદાન અને સારવાર સાથે સુજોક થેરાપી આપવા માટે કેમ્પ યોજાયો.. 72 વ્યક્તિઓએ આ કેમ્પમાં માનસિક સધિયારો લીધો અને સુજોક થેરાપી લીધી. લોકડાઉન અને મહામારીને કારણે લોકો અનેકો પ્રકારની માનસિક અને શારીરિક પીડા અનુભવી રહ્યા છે. ઘણા ચિત્ર વિચિત્ર કેસ આ કેમ્પમાં સામે આવ્યા અને તેનું નિવારણ પણ થયું. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી અને સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ ઉદ્ઘાટન કરેલ. ડો. ધરમ કાંબલીયાએ જણાવ્યું કે ગુજરાતનું આ પહેલું ભવન હસે કે જેણે મહામારીમાં લોકોને માનસિક સધિયારો આપ્યો છે જેના થકી યુનિવર્સીટીની ગરિમા વધી છે. કેમ્પના ઉદ્ઘાટનમાં ઉપકુલપતિ સાહેબ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન નવિન પ્રવૃતિઓ કરે છે તેનો ગૌરવ તો છે જ પણ ઉપકુલપતિ તરીકે મારી અપેક્ષા તેમની પાસે વધુ છે. મનોવિજ્ઞાન ભવન કાયમી ધોરણે સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર નો પ્રારંભ કરે. વિદેશોમાં આ પ્રકારના અલગથી સેન્ટરો હોય છે ગુજરાતની કોઈ યુનિવર્સીટીમાં કાયમી આવા કોઈ સેન્ટ્રર નથી તો મનોવિજ્ઞાન ભવન કેમ શરૂ ન કરી શકે? તાત્કાલિક ભવન અધ્યક્ષ અને પુરી ટીમ દરખાસ્ત મોકલે યુનિવર્સીટી સેન્ટર શરૂ કરવા સજ્જ છે અને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. લોકોને કાયમી માનસિક સધિયારો મળી રહે તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો પહેલો પ્રયાસ હશે. લોક સેવા જરૂરી છે અને ભવન કરે જ છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન.

કેમ્પમાં આવ્યા આવી વિચિત્ર સમસ્યા ધરાવતા લોકો, વાંચો તમે પણ વિચિત્ર માનસિક સમસ્યાઓ વિશે યુવાન: મારી પ્રેમિકા મને મૂકીને ગઈ ત્યારથી બેચેની અને આપઘાતના વિચારો આવે છે, કોઈપણ છોકરીને જોઇને દગાખોર હશે એવું જ લાગે છે, શું દુનિયામાં બધી સ્ત્રીઓ દગાખોર જ હશે? એ વિચારે મમ્મી, બેન અને અન્ય મહિલાઓ સાથે વાત કરતા કે વિશ્વાસ મુકતા ડર લાગે છે.

પુરુષ: કોરોના કાળમાં પિતા અને અન્ય સગાઓને ગુમાવ્યા હોવાથી માનસિક પરિતાપ અને બેચેની સાથે અનિન્દ્રા રહેતી. 4 મહિના પછી પોક મુકીને રડ્યા..

એક ભાઈને પત્નીના મૃત્યુ પછી નીંદર જ આવતી નહોતી અનિન્દ્રા નો રોગ થયો..

એક તરુણ સતત હાથ ધોયા કરે, વારે વારે નહાયા કરે છે અને દિવસમાં 4-5 વાર કપડાં બદલ્યે રાખે છે ઘરે હોવા છતાં..

એક યુવાનને મંદિરે જઈને 20-25 વાર માથું અડાડી પગે ન લાગે ત્યાં સુધી બેચેની રહે છે ઉપરના બન્ને કિસ્સા અનિવાર્ય ક્રિયા દબાણના છે. એટલે કે માનસિક પરિતાપને કારણે કારણ વગર કાર્ય કરે તે અનિવાર્ય ક્રિયા દબાણ..

એક તરુણીને સતત એવા જ વિચારો આવે છે કે મારી મમ્મીનું એક્સીડંટ થઇ જશે અને મરી જશે તો?? સતત મમ્મી મરી જવાનાં વિચારો આવવાથી દીકરી ખુબ જ હતપ્રદ અને બેચેન હતી.

ઓનલાઇન શિક્ષણ શરૂ થયા પછી પછીથી શ્વસન સબંધિત વિકૃતિ એટલે કે શ્વાસની તકલીફ શરૂ થઇ. અન્ય એક કિસ્સામાં મમ્મીની સાથે સતત લોકડાઉનમાં બાળક રહ્યું તે 12-13 વર્ષનું બાળક હવે મમ્મીથી દૂર થાય છે તો શ્વાસની તકલીફ શરૂ થાય છે.

એક વડીલની દીકરીને સાસરે અનુકૂળતા નથી આવતી એટલે સતત ચિંતા અને ડર અનુભવી રહ્યા છે. ત્યાં સુધી કે રોજ દીકરીના મૃત્યુના સતત સપના આવે છે.

એક ભાઈને એવા જ વિચારો આવે કે સવારે કામ પર જવાનું છે તેના કારણે તેને નીંદર જ નથી આવતી. કુટુંબીજનોના બધા નિર્ણય તેમને લેવાના થાય છે ત્યારે મારું કોઈ માનશે નહીં એવા વિચારો સતત ચાલ્યા કરે છે.

એક બહેનને સતત એ જ વિચાર કે મારાથી કોઈપણ કાર્ય નથી થઈ શકતું. જો હું નહીં હોવ તો મારા ઘરના લોકો પર શુ અસર થશે. મારી દીકરીના લગ્ન કઈ રીતે થશે.

સીરીયલ જોઈ બાળકી માનવા લાગી કે તે છે ગર્ભવતી

એક બાળકીને પણ વિચિત્ર માનસિક સમસ્યા શરુ થઈ હતી. તે એક સીરીયલ જોતી હતી જેમાં ગ્રહને જોઈ સીરીયલનું એક પાત્ર ગર્ભવતી થાય છે. આ વાતની અસર તેના મન પર એટલી હદે થઈ કે તેના વિશે સતત વિચારવાથી તે પણ માનવા લાગી કે તે ગર્ભવતી છે. સતત વિચારોના કારણે તેનું માસિક ચક્ર પણ ખોરવાઈ ગયું અને પેટ પણ વધવા લાગ્યું. આ બાળકીને લઈ તેના માતા-પિતા ડોક્ટર પાસે પહોંચ્યા અને તેની સમસ્યાનું નિદાન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સેલર તરીકે ભવનના અધ્યાપકોએ સેવા આપી હતી. જે.સી.આઈ. રાજકોટ યુવાના પ્રેસિડેન્ટ ક્રિના બેન, સેક્રેટરી પ્રતિકભાઈ અને અન્ય જે.સી.આઈ.યુવાના સભ્યો હાજર રહ્યા હતા. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અધ્યાપકો ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો.હસમુખ ચાવડા એ કાઉન્સેલિંગ કર્યું હતું અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ તૌફિક જાદવ અને નિમિષા પડારીયાએ કાઉન્સેલિંગની માહિતીઓ આપી હતી. લોકોએ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે આ સેવાના કાર્યથી લોકોને ખૂબ ફાયદો થશે અને આ વિવિધ થેરાપીથી ઘણી મદદ મળી

3 views0 comments
Post: Blog2_Post
bottom of page