નવી દિલ્હી, તા. 8 ક્ટોબર 2020, ગુરુવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં ભારતીય સૈનિકોની સ્થિતિ અંગે જાહેર થયેલા કેગના રિપોર્ટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાનને માત્ર પોતાની ઇમેજની જ ચિંતા છે, સૈનિકોની નહીં. આ હૂમલો તેમણે સરકારે હમણા જે બે વીવીઆઇપી વિમાનની ખરીદી કરી છે તેને ધ્યાનમાં રાખીને કર્યો છે. ટ્વિટ કરીને તેમણે કેગના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. જે પ્રમાણે સિયાચિન, લદ્દાખમાં ભારતીય સૈનિકો માટે ગરમ કપડા અને સાધનોની ખરીદીમાં વિલંબ થઇ રહ્યો છે.
રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ છે કે, પીએમએ પોતાના માટે 8400 કરોડનું વિમાન ખરીદ્યું છે. આટલામાં તો લદ્દાખ અને સિયાચિન સરહદ ઉપર રહેલા આપણા જવાનો માટે ઘણુ બધું ખરીદી શકાયું હોત.ગરમ કપડા– 3000000, જેકેટ અને મોઝા– 6000000,બૂટ– 6720000 અને ઓક્સિજન સિલિનિડર 1680000. પરંતુ વડાપ્રધાનને માત્ર પોતાની ઇમેજની જ ચિંતા છે, સૈનિકોની નહીં.
કેગની રિપોર્ટ પ્રમાણે 2015-16 અને 2017-18ના સમયગાળા દરમિયાન થયેલા ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે ઉંચાણ વાળા અને ઠંડી વાળઆ સ્થાનો ઉપર સૈનિકોની તહેનાતી માટે જરુરી કપડા અને સાધનોની ખરીદીમાં ચાર વર્ષનો વિલંબ થયો છે. તો બરફમાં પહેરવાના ચશ્માની પણ તંગી છે.
આ પહેલા પણ રાહુલ ગાંધી સરકારે ખરીદેલા બે વીવીઆઇપી વિમાન પર ટિપ્પણી કરી ચુક્યા છે. જો કે કેન્દ્ર સરકારે આપેલા જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વીવીઆઇપી વિમાન ખરીદીની પ્રક્રિયા યુપીએના શાસનકાળ દરમિયાન શરુ થઇ હતી.
Comments