નવી દિલ્હી, તા. 9 ઓકટોબર 2020, શુક્રવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત પીએમ મોદી પર નિશાન સાધીને પીએમ મોદીના હવામાંથી પાણી પેદા કરવાના આઈડિયાની મજાક ઉડાવી છે. પીએમ મોદીએ ડેનમાર્કના વડાપ્રધાન સાથે ઓનલાઈન વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વિન્ડ એનર્જી પેદા કરવાના ટર્બાઈન થકી જ્યાં ભેજ વધારે છે તેવા વિસ્તારમાં હવામાંથી પાણી શોષીને તેને વપરાશમાં લઈ શકાય છે.આમ વિન્ડ ટર્બાઈનથી એનર્જી પણ પેદા થશે અને પાણી પણ મળશે.જે નાના ગામડાની પાણીની સમસ્યા દુર કરી શકે છે.ટર્બાઈન થકી હવામાંથી ઓક્સિજન પણ અલગ કરી શકાય છે.જોકે આ માટે સાયન્ટિફીક સમજ ડેવલપ કરવી જરુરી છે. જવાબમાં ડેનમાર્કના પીએમે કહ્યુ હતુ કે, હું મોદીની પેશન જોઈને ખુશ છું. તેમણે ડેનમાર્ક આવીને એન્જિનિયર્સ સાથે વાત કરવા માટે પણ પીએમ મોદીને આમંત્રણ આપ્યુ હતુ.
આ વિડિયો શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખતરો એ વાતનો નથી કે આપણા વડાપ્રધાનને કશી ખબર પડતી નથી પણ ખતરો એ વાતનો છે કે, તેમની આસપાસના કોઈ વ્યક્તિમાં આ વાત પીએમને કહેવાની હિંમત નથી. જોકે ભાજપે એ પછી રાહુલ ગાંધીને જવાબ આપવામાં બાકી રાખ્યુ નથી.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓએ રાહુલ ગાંધીની સમજ પર સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીની આસપાસમાં રહેલા લોકોમાં રાહુલ ગાંધીને કશી સમજ નથી પડતી તેવુ કહેવાની હિંમત નથી.રાહુલ ગાંધી પીએમની જે વાતની મજાક ઉડાવી રહ્યા છે તેની સાથે દુનિયાની ટોચની ટેકનિકલ કંપનીઓના સીઈઓ સંમત છે.એવુ લાગે છે કે, કોંગ્રેસ સામે અસલી ખતરો જ રાહુલ ગાંધી છે. ભાજપે રાહુલ ગાંધી સાથે કેટલાક એવા અહેવાલોની લિન્ક પણ શેર કરી હતી જેમાં વિન્ડ ટર્બાઈન થકી હવામાંથી પાણી બનાવવાની વાતનો ઉલ્લેખ છે.
留言