top of page

મોદી સાથેની રેલી કામ ના લાગી, ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોએ ઝાટકો આપ્યો


વોશિંગ્ટન, તા.5 નવેમ્બર 2020, ગુરૂવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને હાલના તબક્કે તો ટ્રમ્પ કરતા બિડેન ઘણા આગળ નિકળી ગયા છે ત્યારે ટ્રમ્પને અમેરિકાના ભારતીય સમુદાય તરફથી ચૂંટણીમાં ઝાટકો લાગ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં પીએમ મોદીની સાથે એક રેલી કરી હતી અને  એ પછી અમદાવાદમાં પણ આવી જ એક રેલી યોજાયી હતી.જેની પાછળનુ કારણ ટ્રમ્પ અમેરિકામાં ભારતીય મૂળના વોટર્સને રીઝવવા માંગતા હોવાની અટકળો પણ થઈ રહી હતી.

જોકે નેશનલ એક્ઝિટ પોલ પ્રમાણે 64 ટકા એશિયાઈ મૂળના લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બિડેનનુ સમર્થન કર્યુ છે અને 30 ટકા મત જ ટ્રમ્પને મળ્યા છે. જાણકારોનુ માનવુ છે કે, ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ સૌથી વધારે મત બિડેનને આપ્યા છે.જ્યારે વિયેતનામી મૂળના નાગરિકો માટે ટ્રમ્પ પહેલી પસંદ રહ્યા છે.કારણકે ટ્રમ્પે વિયેતનામના દુશ્મન ગણાતા ચીન પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, ચાઈનિઝ મૂળના અમેરિકન નાગરિકોએ ટ્રમ્પને વધારે મત આપ્યા છે.અમેરિકામાં રહેતા ચીની નાગરિકોએ ચીનની ક્રુર કોમ્યુનિસ્ટ પાર્ટી સામે અવાજ ઉઠાવવા બદલ ટ્રમ્પની પ્રશંસા કરી છે.

ધ્યાન ખેંચનારી બીજી વાત એ છે કે, અમેરિકામાં પ્રમુખપદની સાથે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પોસ્ટ માટે યોજાયેલી ચૂંટણીમાં પાંચ ભારતીય મૂળની મહિલાઓ સહિત કુલ 12 ભારતીય મૂળના ઉમેદવારોએ જીત મેળવી છે.આવુ પહેલી વખત થયુ છે.ચાર ઉમેદવાર એવા છે જેઓ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ  માટે બીજી વખત ચૂંટાયા છે. ટ્રમ્પે ભારતીય મૂળના મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રચાર કર્યો હતો.તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે ભારત પ્રવાસે આવ્યા હતા.

3 views0 comments
Post: Blog2_Post
bottom of page