બિહારમાં આઈએએસ ઓફિસર હરજોત કૌર પાસે એક જાહેર કાર્યક્રમમાં સેનિટરી પેડ માંગીને ચર્ચામાં આવેલી રિયા કુમારીને હવે એક સેનિટરી પેડ બનાવતી કંપનીએ જાહેરાતની ઓફર કરી છે.
કંપનીએ રિયા જ્યાં સુધી ગ્રેજ્યુએટ ના થઈ જાય ત્યાં સુધી તેના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવવાની ઓફર કરી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે કંપનીએ રિયાને એક વર્ષ માટે સેનિટરી પેડ પૂરા પાડવાનો પણ વાયદો કર્યો છે.
રિયાએ કહ્યુ હતુ કે, પહેલા લોકો પિરિયડ પર ચર્ચા નહોતા કરતા પણ હવે હું ઘરે ઘરે જઈને લોકોને આ માટે જાગૃત કરવા કામ કરીશ અને સમજાવીશ કે પિરિયડને છુપાવી શકાય તેમ નથી પણ સેનિટરી પેડથી તેને દુર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં આઈએએસ ઓફિસર સમક્ષ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ મફત સેનિટરી પેડ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે બિહાર મહિલા વિકાસ નિગમના ડાયરેકટર હરજોત કૌરે કહ્યુ હતુ કે, તમે આજે સેનિટરી પેડ માંગો છે અને જો તે મફત આપીશું તો કાલે કોન્ડોમ પણ મફત માંગવામાં આવશે.
અધિકારીના આ નિવેદને આખા દેશમાં વિવાદ સર્જયો હતો અને તેમના પર સોશિયલ મીડિયામાં માછલા પણ ધોવાયા હતા.
Comments