top of page

ગુજરાતમાં પેટાચૂંટણી પછી રૂપાણી કેબિનેટમાં નવા નવ ચહેરા લેવાય તેવી સંભાવના

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટનું વિસ્તરણ વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીના પરિણામ પછી થાય તેવી સંભાવના છે. નવી કેબિનેટમાં ચાર થી પાંચ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે અને સાત નવા ચહેરા લેવાય તેવું જાણવા મળ્યું છે. આ સાથે જ રૂપાણી સરકાર બોર્ડ-નિગમમાં રાજકીય ચેરમેન તેમજ ડિરેક્ટરોની નિયુક્તિ પણ કરી શકે છે.

છેલ્લા બે વર્ષથી રૂપાણી સરકારના વિસ્તરણની રાહ જોવાઇ રહી છે. છેલ્લે કોંગ્રેસના ત્રણ સભ્યો કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ભાજપ્ના એકપણ ધારાસભ્યને મંત્રી બનાવવામાંઆવ્યા નથી. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેબિનેટ કક્ષામાં 9 અને રાજ્યકક્ષામાં 11 મંત્રીઓ છે. આમ કેબિનેટનું કુલ કદ 22 સભ્યોનું છે.

નિયમ પ્રમાણે ગુજરાતમાં મુખ્યમંત્રી વધુમાં વધુ 27 સભ્યોની કેબિનેટ રાખી શકે છે. એટલે કે હાલની કેબિનેટમાં અત્યારે વધુ પાંચ સભ્યોનો સમાવેશ થઇ શકે છે. પરંતુ કેટલાક વિવાદાસ્પદ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે તેમ છે તેથી જો ચાર સભ્યોને પડતા મૂકવામાં આવે તો ગુજરાતમાં રૂપાણી કેબિનેટમાં વધુ નવ ચહેરા આવી શકે છે.

સચિવાલયના સૂત્રો કહે છે કે ગુજરાત સરકારમાં રૂપાણીના સાથીદારો પૈકી મત્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સામાજીક ન્યાય મંત્રી ઇશ્વર પરમાર, સામાજીક શૈક્ષણિક પછાત વિભાગના મંત્રી વાસણ આહિર તેમજ અન્ય એક બે સભ્યોને ડ્રોપ કરવામાં આવે તેવી સંભાવના છે, જો કે આ મંત્રીઓના અંગત સાથીદારો કહે છે કે અત્યારે કોઇપણ મંત્રીને કેબિનેટમાંથી ડ્રોપ કરવામાં નહીં આવે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અને હાલ પેટાચૂંટણી લડતા આઠ પૈકી ત્રણ થી ચાર સભ્યોનો કેબિનેટ પ્રવેશ સંભવ છે જેમાં બ્રિજેશ મેરજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, આત્મારામ પરમાર અને કિરીટસિંહ રાણાના નામો ચચર્ઇિ રહ્યાં છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી બોર્ડ-નિગમમાં રાજકીય ચેરમેન તેમજ ડિરેક્ટરોની નિયુક્તિ કરી શકે છે. આ નિયુક્તિ માટે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ખુદ મુખ્યમંત્રીને ભલામણ કરી ચૂક્યાં છે.  રાજ્ય સરકારે સ્થાનિક ચૂંટણીઓ મોકુફ રાખી છે તેની પાછળનું ગણિત પણ કેબિનેટનું વિસ્તરણ હોઇ શકે છે. સ્થાનિક ચૂંટણીમાં મોટાભાગની સંસ્થાઓ કબજે કરવા માટે મુખ્યમંત્રીને કેબિનેટના વિસ્તરણની ફરજ પડે તેવું પાર્ટીનું પણ માનવું છે. રાજ્યમાં 2022માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દોઢ વર્ષ પહેલાં આ વિસ્તરણ અત્યંત મહત્વનું સાબિત થાય તેમ છે.

Comentários


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page