અન્ય 4 નામો ગોપનીય રખાયા પૂર્વ પોલીસ અધિકારી અને ભાજપના સ્થાનિક નેતા સહિતના મોટામાથાઓ સામે ફરિયાદ: 8ની ધરપકડ, 1 જેલમાં છે, જયેશ પટેલ ફરાર
25 ઓક્ટોબરે ભાસ્કરે લખ્યું હતું કે, હવે જામનગરમાં 100 દિવસમાં નવાજૂની થશે, નવનિયુક્ત એસપી ભદ્રનની ટીમે 21માં દિવસે જ ધડાકો કર્યો
જામનગર પોલીસે જયેશ પટેલ ગેંગના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મી સહિતના લોકો મળીને 8ની ધરપકડ કરી 14 શખસો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધતા સમગ્ર હાલારમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. જામનગર શહેર અને જિલ્લામાં ખળભળાટ મચાવનાર આ ઘટનાની જિલ્લામાં ઘણા સમયથી મોકાની જમીનો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ જયેશ પટેલ ગેંગ દ્વારા ચલાવવામાં આવતી હતી જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત થતાં સરકાર ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સ્પેશિયલ ટીમો બનાવીને જયેશ પટેલ અને તેના સાગરિતો પર તૂટી પડી હતી. દરમિયાન જયેશ પટેલની ગેંગ માટે કામ કરતા 8 લોકો જેમાં બિલ્ડર, વેપારીઓ, ખાનગી નોકરી ધારક, પૂર્વ પોલીસકર્મી વગેરેની ધરપકડ કરી ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે તમામની અટક કરી શનિવારે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે જે બાદ તેમની કાર્યપદ્ધતિ અને અન્ય સાથીઓના નામ બહાર આવશે. પોલીસે અન્ય 4 વ્યક્તિઓ સામે પણ ગુનો નોંધ્યો છે જેના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી જશપાલસિંહ જાડેજા જેલમાં છે. જ્યારે જયેશ પટેલને ફરાર દેખાડવામાં આવ્યો છે.
જે કલમ હેઠળ ગુનો નોંધાયો તેમાં પાંચ વર્ષથી આજીવન કારાવાસની સજા : જામનગર પોલીસે આજે ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ જયેશ પટેલ સહિતના 14 લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં પાંચ વર્ષથી લઈ આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈઓ છે. પોલીસ આ કેસમાં વહેલી તકે પુરાવા સાથે ચાર્જશીટ ફાઈલ કરી દેશે તેમ જણાવ્યું હતું.
ગેંગના સભ્યોનું કામ | માહિતી ભેગી કરીને પહોંચાડવી, આશ્રય દેવો, વિવાદ ઉભા કરવા : જામનગરમાં જયેશ પટેલ આણિ મંડળી દ્વારા કિંમતી જમીન પચાવી પાડવાના કારસ્તાનોમાં ગેંગના સભ્યોમાં પણ વિવિધ કામગીરી વહેંચાયેલી રહેતી હોવાનું શુક્રવારે પોલીસે જણાવ્યું હતું. કિંમતી જમીન અંગે માહિતી મેળવીને એક-બીજાને પહોંચાડવી, એકમેકને આશ્રય આપવો અને વિવાદિત જમીનની સાચવણી કરવા સહિતના કામનો સમાવેશ થાય છે. જયેશ પટેલના ગેંગના મેમ્બરો જેની આજે પોલીસે ધરપકડ કરી છે તેઓ વ્યવસ્થિત રીતે કામ કરતા હતા. તેઓ મોકાની જમીનોના માલિકોની માહિતી ભેગી કરતા હતા તેમજ એક-બીજાને આશ્રય પણ આપતા હતા. વિવાદવાળી જગ્યાઓ બનાવીને તેને સાચવીને મદદગારી કરતા હતા જે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે ગેંગના સભ્યોના કેટલા દિવસના રિમાન્ડ મળે છે અને શું ચોંકાવનારા ખૂલાસા થાય તેના પર જામનગર સહિત સમગ્ર હાલારવાસીઓની મીટ મંડાઈ છે. આગામી દિવસોમાં વધુ કડાકા-ભડાકાની સંભાવના છે.
હવે શું ? રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓને રજૂ કરી રિમાન્ડ મંગાશે : ગુજસીટોક કાયદાનો સૌપ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. આ કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ સ્પેશિયલ કોર્ટો નિમવામાં આવી છે જે મુજબ સૌરાષ્ટ્રમાં આ કલમ મુજબ નોંધાયેલા ગુના માટે રાજકોટ ગ્રામ્યની પ્રિન્સીપાલ જજની કોર્ટ માન્ય છે જેમાં જયેશ પટેલના સાગરિતોને રિમાન્ડ માટે રજૂ કરાશે.
જયેશ પટેલના એ 14 સાગરિતો, જેની સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી (ભાજપના કોર્પોરેટર)
વસરામ ગોવિંદભાઈ મિયાત્રા (પૂર્વ પોલીસ અધિકારી)
નિલેશ મનસુખભાઈ ટોલિયા (બિલ્ડર)
મુકેશ વલ્લભભાઈ અભંગી (બિલ્ડર)
પ્રવીણ પરસોત્તમભાઈ ચોવટિયા (અખબારમાં ખાનગી નોકરી)
જીગર ઉર્ફે જીમી પ્રવીણચંદ્ર આડતિયા (સાધના ફોરેક્સ)
અનિલ મનજીભાઈ પરમાર (દુબઈમાં જયેશ પટેલ સાથે હતો)
પ્રફુલ્લ જયંતિભાઈ પોપટ (વેપારી, ગ્રેઈન માર્કેટ)
જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (જમીન લે-વેચ)
જયેશ મુળજીભાઈ પટેલ (ભૂ-માફિયા)
અન્ય ચારને પકડવાના બાકી હોવાથી પોલીસે ગોપનિય રાખ્યા છે.
Comments