રાજુલા - સાવરકુંડલા રોડ પર આગરીયા ગામ પાસે
હાથ લાગ્યા તે વાસણો લઈ તેલ લેવા માટે લોકોએ ધસારો કરતા અફડાતફડી
ખાંભા, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર રાજુલા - સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આજે વહેલી સવારે આગરીયા ગામ પાસે સીંગતેલ ભરેલું કન્ટેનર પલ્ટી જતા તેમાંથી તેલ લેવા આસપાસના ગામોના લોકો હાથ લાગ્યું તે વાસણ લઈ ઉમટી પડી અને તેલની લૂંટાલૂંટ કરતા અફડાતફડી મચી ગઈ હતી.
રાજુલા - સાવરકુંડલા હાઈવે પર આજે વહેલી સવારે સીંગતેલ ભરેલું કન્ટેનર પીપાવાવ પોર્ટ તરફ જતું હતું ત્યારે આગરીયા ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી ખાઈ જતા તેલ ડોળાવા લાગ્યું હતું. તેલ ઢોળાતું હોવાની વાત ફેલાતા આસપાસના ખેતમજૂરોથી માંડી આગરીયા, ધૂળીયા, માંડરડી સહિતના ગામોના લોકો સીંગતેલ લેવા ઉમટી પડયા હતાં.
ખાળિયામાં બોરડીના કાંટા વચ્ચે પડેલા કન્ટેનરમાંથી તેલ લેવા કેરબા, ડબ્બા, હાંડા, હેલ વગેરે લઈ લોકો ઉમટી પડયા હતાં. તેલની લૂંટાલૂંટ થતા અફડાતફડી મચી ગઈ હતી. લોકો તેલ ભરી ભરી ઘરે ઠાલવી વળી પાછા તેલ લેવા આંટાફેરા કરવા લાગ્યા હતાં. સવારથી બપોર સુધી આ ક્રમ ચાલ્યો હતો. ઘટનાની ખબર પડતા પોલીસ દોડી આવી હતી.
Comentarios