દેશભરના ખેડૂતો દ્વારા ‘ભારત બંધ’ નું એલાન આપવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના વેપારીઓને જોડાવવા કોંગ્રેસે અપીલ કરીને દુકાનો બંધ રખાવવા અભિયાન યોજ્યું હતું, તો સામે ભાજપે દુકાન ખોલો અભિયાન યોજીને પોતાની કામગીરી હાથ ધરી હતી.
દેશભરમાં ખેડૂતોના મુદ્ સામાન્ય જન પણ સમર્થન આપીને કૃષિબીલ કાયદાનો વિરોધ કરીને ‘‘ભારત બંધ’’ ના એલાનમાં જોડાવવા કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોંગી આગેવાનો રામદેભાઈ મોઢવાડીયા, નાથાભાઈ ઓડેદરા વગેરેએ સવારે સુતારવાડા, રાણીબાગ, સોનીબજાર, ખાદીભવન ચોક, એમ.જી. રોડ, એસ.વી.પી. રોડ સહિત અલગ-અલગ વિસ્તારોમાં જઈને ખેડૂતોને સમર્થન આપવા અને વેપાર-ધંધા બંધ રાખવા વેપારીઓને જણાવ્યું હતું. આથી વેપારીઓએ તેમના વેપાર-ધંધા બંધ કરી દીધા હતા.ત્યારબાદ ભાજપ આગેવાનોએ વેપારીઓને વેપાર-ધંધા ખોલાવ્યા હતા. કોંગ્રેસના ‘‘દુકાન બંધ રાખો અભિયાન’’ સામે ભાજપે ‘‘દુકાન ખોલો અભિયાન’’ યોજીને ભાજપના આગેવાનોએ વેપાર-ધંધાના શ્રીગણેશ કરાવ્યા હતા. આ કામગીરીમાં ભાજપના આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, હિતેશભાઈ કારીયા, હિતેન ધોળકીયા, છાંયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ જોષી, ભીખુભાઈ ગોસ્વામી વગેરે વેપારીઓને નિર્ભયતાથી વેપાર-ધંધા ચાલુ રાખવા અપીલ કરી હતી અને દુકાનો ખોલાવી હતી.
ખેડૂતોના ‘ભારત બંધ’ ના એલાનને પોરબંદરના ગ્રામ્યપંથકમાં સફળતા મળી છે. ધરતીપુત્રો ગામડાઓમાં અને વાડીઓમાં વસવાટ કરે છે તેથી ગ્રામ્યપંથકમાં બંધના એલાનને સફળતા મળી હતી. અડવાણા, સોઢાણા, ખાપટ, કોલીખડા, ઓડદર, રાણાવાવ, કુતિયાણા તાલુકાના ગામડાઓ સહિત ખાગેશ્રી અને આજુબાજુના ગામડાઓ સજ્જડ બંધ રહ્યા હતા.
Comments