પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનના કાગળો ચેક કરી રહ્યા હોવાથી તેઓને આવી સત્તા કોણે આપી ? તેવા સવાલ સાથે એડવોકેટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને વધુમાં ઉમેર્યું છે કે ટુ વ્હીલરચાલકોને હેરાન કરતું તંત્ર રીક્ષા, ટ્રાવેલ્સ અને કારચાલકો સામે અગમ્ય કારણોસર મૌન ધારણ કરી લેતું હોવાના આક્ષેપ પણ થયા છે.
પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ અને એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ એસ.પી. સહીત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિકનું નિયમન કરવાની જગ્યાએ ટુ વ્હીલર તથા અન્ય વાહનોના કાગળો ચેક કરતા હોય અને મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત હોવાના કારણે ટ્રાફિક નિયમન શહેરમાં થતું ન હોય, શહેરમાં બેફામ રીતે રીક્ષાઓ ચલાવવામાં આવે છે. રીક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોય હાલમાં મહામારી કોરોનામાં સામાન્ય તથા ગરીબ મધ્યમવર્ગ પાસેથી માસ્કના નામે પીયા 1000 /- દંડ વસૂલવામાં આવે છે. જ્યારે અમુક રાજકીય ઓથ ધરાવતા લોકો, રાજકીય લોકો, અધિકારીઓ, પોલીસ વગેરે માસ્ક સહીત તમામ નિયમોનું પાલન કરતા ન હોવા છતાં તેમને દંડ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કર્યો છે. પોરબંદર શહેરમાં મોટાભાગની કારોમાં કાળા ગ્લાસ, પૂરતા પેપરો પણ નથી હોતા છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે સામાન્ય, ખેડૂત, મજુરી, કડીયા, વિદ્યાર્થીઓને કાયમ કારણ વગર હેરાન કરવામાં આવતા હોય જ્યારે પોરબંદર શહેરમાં પ્યાગો રીક્ષાચાલકો બેફામ ગતિએ ચલાવી નિયમોનું પાલન કરતા ન હોય તેમની સામે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ છે.
પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક પોલીસને દંડનો દરરોજ ટાર્ગેટ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને ભનુભાઈ ઓડેદરાએ ઉમેર્યું છે કે ટ્રાફિક પોલીસ માસ્કના નામે તથા અન્ય પેપરોના નામે માત્ર ટુ વ્હીલરોને જ ચેક કરતા હોય, રીક્ષાઓ, ટ્રાવેલ્સ, કારો વગેરેને ચેક કરવામાં આવતા નથી. હાલમાં ટ્રાફિકને સહાયપ બનવા માટે ટ્રાફિક બ્રિગેડમાં જવાનોની ભરતી થયેલ છે તે તમામ જવાનો વાહનચાલકો પાસે પેપરો માંગે છે અને પોતાને સત્તા નહીં હોવા છતાં શા માટે પેપર ચેક કરે છે ? તેવો સવાલ ઉઠાવીને ઉમેર્યું છે કે આ ઉપરાંત નરસંગ ટેકરી સર્કલ ઉપર, ઉદ્યોગનગર રોડ ઉપર જતા રસ્તા ઉપર ટ્રાવેલ્સની બસો ગેરકાયદેસર રસ્તાની વચ્ચે ઉભી રાખવામાં આવતી હોય અને ત્યાં અમુક ટ્રાવેલ્સ સંચાલકોએ દબાણ કરી કેબીનો-દુકાનો બનાવી ત્યાં ટ્રાવેલ્સ ગેરકાયદેસર ઉભી રાખતા હોવાનો આક્ષેપ કરી આ વિસ્તારમાં ટ્રાવેલ્સને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
Comentarios