જેતપુર, તા. 9 ઑક્ટોબર, 2020 સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં યાત્રાળુઓની લાગણી દુભાય તે રીતે ગામમાં નોનવેજની વાનગીઓનું વેંચાણ થવા લાગ્યું છે. ઘણા લોકો નશો કરેલ હાલતમાં મિજબાની માણી ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવી છેડતી જેવા પ્રયાસો કરતા હોવાથી યાત્રાધામમાં નોનવેજના વેંચાણ પર પ્રતિબંધ મુકવા જાગૃત લોકોએ માંગ કરી છે.
”દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ” સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમિ વીરપુરમાં એક પણ રૂપિયાનું દાન લીધા વગર ભુખ્યાઓની ભૂખ ભાંગવા છેલ્લા બસો વર્ષથી સદાવ્રત ચાલે છે. આવા સદાવ્રત એટલે ભોજન અને ભજનનો સુભગ સમન્વય થયો છે. ત્યાં પવિત્ર વાતાવરણ દૂષિત થાય તેમ ગામમાં માંસ મટનનું તેમજ નોનવેજની લારીઓ દ્વારા થતા વેચાણ સામે કેટલાક ગામવાસીઓ અવાજ ઉઠાવ્યો છે. આ અંગે ગામવાસીઓ જણાવે છે કે વીરપુર પર્યટન સ્થળ નથી કે તેમાં પ્રવાસીઓ આવે તે માટે શરાબ અને કબાબ હોવી જોઈએ. આ યાત્રાધામ છે અહીં ભક્તિ અને શક્તિ હોવી જોઈએ. અને શક્તિનો જ પર્વ એટલે માં જગદંબાની નવરાત્રી પણ આવી રહી છે. એક બાજુ યાત્રાધામમાં આવા પાવન તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે બીજી બાજુ હાઇવે પર તેમ ગામમાં માંસ મટન તેમજ અન્ય નોનવેજની લારીઓમાં બનતી વનગીઓનું વેચાણ બંધ થવું જોઈએ. અને યાત્રાધામમાં તો કોઈ કાળે આવું દુષણ ન હોવું જોઈએ આવા દુષણની પાછળ પાછળ નશીલા પ્રવાહીઓ પણ આવે છે. જેમાં પાન,બીડી તેમજ ઠંડા પીણાની દુકાનોમાં એનર્જી ડ્રિંક્સના નામે નશીલા આલ્કોહોલિક પ્રવાહીઓનું વેંચાણ થઈ રહ્યું છે. કેટલાક આવરાતત્વો આવા પ્રવાહીઓ પિયને કે અન્ય નશો કરીને નોનવેજની લારીએ જમીને ગામમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી છેડતી કરવા જેવા બનાવો પણ બનવા લાગ્યા હોવાથી યાત્રાધામમાં નોનવેજ તેમજ એનર્જી ડ્રિંક્સ નામના દૂષણો બંધ કરવવા લોકમાંગ ઉઠી છે
Comments