ના ઇધર કે રહે, ના ઉધર કે રહે, સોમા પટેલને ટિકિટ આપવા ભાજપે નન્નો ભણ્યો, કોંગ્રેસના દ્વાર પણ બંધ
રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપના ઇશારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારાં ધારાસભ્ય સોમા પટેલની હાલત હવે કફોડી થઇ છે.પેટાચૂંટણીમાં ભાજપે ટિકીટ આપવા સ્પષ્ટ નન્નો ભણ્યો છે ત્યારે સોમા પટેલે હવે હારીથાકીને એનસીપીની ટિકીટ માંગી છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારાં પૂર્વ ધારાસભ્ય સોમા પટેલની રાજકીય કારકિર્દી હવે જોખમમાં મૂકાઇ છે કેમકે, પેટાચૂંટણીમાં લિબડી બેઠક પર ભાજપ પક્ષપલટુને ટિકીટ આપવાના મતમાં નથી. આ બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપના પ્રબળ દાવેદાર મનાય છે. અત્યાર સુધી એવુ હતુ કે, કોળી સમાજના પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ભાજપે સોમા પટેલને કોગ્રેસમાંથી રાજીનામુ અપાવ્યુ છે પણ વર્તમાન રાજકીય પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ભાજપે કોળી નેતાઓનુ એક પછી એક પત્તુ કાપવાનુ શરૂ કર્યુ છે. ભાજપ સોમા ગાંડા પટેલને ટિકીટ નહી આપે. આ જોતાં સોમા પટેલે એક તબકકે ફરી કોંગ્રેસમાં ઘરવાપસીની પણ તૈયારી દર્શાવી હતી માત્ર એક જ શરત હતીકે, લિબડીં બેઠક પર ટિકીટ મળે. જોકે, કોંગ્રેસ-ભાજપમાંથી ટિકીટ નહી મળવાના સ્પષ્ટ એંધાણ મળતા સોમા પટેલ એનસીપીનો સંપર્ક કરી ટિકીટ માટે રાજકીય હવાતિયા મારવાનુ શરૂ કર્યુ છે.
Comments