સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગઈકાલથી શરૂ થયેલો ઠંડીનો ચમકારો આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. જોકે આજે લઘુત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો નથી પરંતુ 20 ડિગ્રી કે તેથી નીચું તાપમાન ધરાવતા વિસ્તારોની સંખ્યામાં આજે વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 15.8 અને વલસાડમાં 16 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 19. 4, કેશોદમાં 19.6, ભાવનગરમાં 19,પોરબંદરમાં 22, નલિયામાં 17.9, કંડલામાં 18.6, ગાંધીનગરમાં 15.8, મહુવામાં 19.1, દીવમાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગઈ કાલ કરતા આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાયું છે. નલિયામાં 84, દ્વારકામાં 80 અને રાજકોટમાં 72 ટકા ભેજ સવારે નોંધાયો છે. તેના કારણે સવારે ફૂલ ગુલાબી અને આહલાદક ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાનમાં ઘટાડાનો સિલસિલો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સરેરાશ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચુ જશે. જમ્મુ કાશ્મીર,લડાખ સહિતના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતાં ત્રણ થી પાંચ ડિગ્રી નીચો નોંધાયો છે. આવી જ રીતે હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં દોઢથી ત્રણ ડિગ્રી નીચુ તાપમાન રહ્યું છે. સમગ્ર દેશમાં સૌથી નીચું તાપમાન હિમાચલ પ્રદેશના ઉના ખાતે 9.5 ડિગ્રી નોંધાયું છે.
Kommentarer