અમદાવાદમાં આજે શહેરભરમાં સફાઇ કામદારો હડતાળ પાડશે
- ab2 news
- Dec 25, 2020
- 1 min read

નવા પશ્ચિમ ઝોનમાં સફાઇ કામદારોના મુદ્દે ભારે તંગદિલી
એક અગ્રણીએ ઝેરી દવા ગટગટાવ્યાના પ્રકરણમાં FIR ફાડવા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામે ધરણાં, ટ્રાફિક જામ કરી દીધો
અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના 6200 જેટલા સફાઇ કામદારો આજે તેમના વારસાઇ સહીતના પ્રશ્ને સફાઇની કામગીરીથી અળગા રહ્યાં હતા અને બોડકદેવની કચેરી ખાતે ધરણાં કર્યા હતા.
દરમ્યાનમાં નોકર મંડળ, હેલ્થ ટેકનીકલ સ્ટાફ એસો. તેમજ અન્ય યુનિયનોએ ટેકો જાહેર કર્યો છે અને આવતીકાલ શુક્રવારે શહેર આખાના સફાઇ કામદારો હડતાલ પર ઉતરશે તેવું એલાન અપાયું છે. નોકર મંડળે જણાવ્યું છે કે જયાં સુધી પ્રશ્નનો નીવેડો નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મ્યુનિ.ની હોસ્પિટલો, મેન હોલ ખાતુ (ડ્રેનેજ), મેલેરિયા ખાતુ, રોડખાતુ, એસટીપી, પાણી ખાતુ, એએમટીએસ વગેરે પણ આંદોલનમાં જોડાનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બુધવારે નવા પશ્ચિમ ઝોનના સફાઇ કામદારોનું એક મોટું ટોળું તેમના પડતર પ્રશ્નોની રજુઆત કરવા પહોંચ્યું હતું. પરંતુ પોલીસે તેમને કમ્પાઉન્ડમાં રોકી લેતા ઉશ્કેરાટ ફેલાયો હતો. તે દરમ્યાન ગુણવંતભાઈ ખત્રી નામના કામદારોના અગ્રણીએ ઝેરી દવા ગટગટાવી લેતા મામલો તંગ બન્યો હતો. બાદમાં 108માં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દરમ્યાનમાં આજે કામદારોના ટોળેટોળા સવારથી જ નવા પશ્ચિમ ઝોનની કચેરીએ એકઠાં થયા અને ઉચ્ચ અધિકારીઓ અને સત્તાવાળાઓ (ભૂતપૂર્વ) સામે સૂત્રોચ્ચારો પોકાર્યા હતાં. બાદમાં ટોળુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
જયાં ડે. કમિશનર સી.આર. ખરસાણ અને સોલીડ વેસ્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકી સામે એફ.આઈ.આર. નોંધવાનો આગ્રહ રાખ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવાની ના કહેતાં ટોળું રોડ ઉપર બેસી ગયું હતું અને ટ્રાફિકની અવરજવર બંધ કરી દીધી હતી. પોલીસને ટ્રાફિકને બીજા ટ્રેકમાં વાળવાની ફરજ પડી હતી.
મોડી સાંજ સુધી ખેંચતાણ, ઉશ્કેરાટ અને સૂત્રોચ્ચારો ચાલુ રહ્યાં હતાં. આવતીકાલ શહેર આખામાં સફાઇ કામદારો હડતાલ પાડશે તેની સાથે મામલો વધુ ઉગ્ર બનશે તેમ જણાય છે. જો કે વારસદારને નોકરીનો મામલો નીતિ વિષયક હોવાથી ઉચ્ચ અધિકારીઓને પણ ઉકેલવામાં તકલિફ પડશે તેમ જણાય છે.
Comments