શિક્ષણની શરમજનક સ્થિતિ છતાં પ્રત્યક્ષ વર્ગો ચાલુ કરવામાં વાંધા
મોબાઈલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુલાઈટ આંખોમાં રેટીનાને નુકસાન પહોંચાડે છે, હતાશાનો ભોગ બનતા અનેક વિદ્યાર્થીઓ
શાળા-કોલેજો શરૂ કરો ! ઓનલાઈન શિક્ષણની આડમાં તરૂણોમાં પોર્નસાઈટ જોવાનો ચસ્કો વધતો જાય છે.' તેવી લાગણી સાથે અનેક વાલીઓએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને હવે શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ વહેલાસર શરૂ કરવું જોઈએ તેવી માગણી કરી છે.
કોરોનાના ભયને કારણે સમગ્ર ગુજરાતના શાળા-કોલેજોનાં શિક્ષણને જાણે અંધકાર યુગમાં ધકેલી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળે છે. દરેક ઘરમાં ઓનલાઈન શિક્ષણના નામે મોબાઈલ ફોન લઈને બેસી જતાં બાળકો કે તરૂણો ભણવા ઉપરાંત ન જોવાનું ઘણું બધું જોતા થઈ ગયાની ચોંકાવનારી વિગતો યુનિ.ના મનોવિજ્ઞાાન ભવનના સર્વેક્ષણ દરમિયાન બહાર આવી છે. આ મુદ્દે આજે તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ મહિનાથી ક્લાસરૂમ ટીચીંગ બંધ છે. ગુરુ-શિષ્યની વર્ગખંડની જે શિક્ષણ પદ્ધતિ હતી, તેના બદલે ઓનલાઈન ટીચીંગ વધતા બાળકોમાં વીડિયો, કાર્ટુન અને ગેમની સાથે પોર્નસાઈટ જોવાનું ચલણ ચિંતાજનક રીતે વધતું જાય છે. સોશ્યલ મીડિયાનું વ્યસન બાળકો માટે ખૂબ જ જોખમી છે. માનસિક સ્વાસ્થ્યને બગાડે છે.
સતત મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેવાથી સામાજિક હતાશાનો શિકાર બાળકો બને છે. આગળ જતાં તેઓને હૃદય, ડાયાબીટીસ, હાયપરટેન્શન કે કેન્સર જેવી બીમારી વધે છે. આંખોની કીકી ત્રાંસી થઈ જાય છે, માનસિક વિકાસ થતો નથી, બાળક સુનમૂન બેઠું રહે છે. મોબાઈલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ આંખોના રેટીનાને ખુબ જ નુકસાન પહોંચાડે છે.
દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને થાક અને બેચેની લાગે છે. ઊંઘની માત્રામાં ઘટાડો થાય છે. આ સ્થિતિમાં બાળકો સાથે નકારાત્મક વાતો કરવાનું ટાળવું જોઈએ. હકારાત્મક વાતો કરવી જોઈએ. કેટલાક મા-બાપ પોતાના બાળકોને વ્યસ્ત રાખવા માટે મોબાઈલ આપી પોતાના કામમાં લાગી જાય છે. તે કુટેવ પણ છોડવી જોઈએ. તેમજ શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પોતાના દિનચર્યામાં પૂર્વવત ગોઠવાઈ શકે. મેડિકલ, હોમીયોપેથીક, આયુર્વેદીક કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને સ્નાતક અને અનુસ્નાતક ભવનોને બંધ રાખવાનો કોઈ અર્થ નથી તેવી લાગણી વાલીઓ દ્વારા દર્શાવવામાં આવી હતી.
Comments