નવા બનેલા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ રાજકોટ જિલ્લામાં પ્રથમ ફરિયાદ
10 વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ, છ મહિનામાં કેસ પૂરો
કુખ્યાત નિખિલ દોંગા ગેંગના સાગરીત નરેશ સિંધવ અને તેના ભાઈનો જેલમાંથી કબજો મેળવવા તજવીજ
જેતપુર તાલુકાના વીરપુર ગામે આવેલ બે ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડનાર ચાર શખ્સો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગરમાં આ કલમ હેઠળ ત્રણ જમીન કૌભાંડમાં ફરિયાદો નોંધાયા બાદ સૌરાષ્ટ્રમાં આ ચોથી ફરિયાદ છે. પોલીસે ચારમાંથી બે આરોપીઓ રમેશ રાજુ સિંધવ અને ગોંડલ પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા ધીરૂ બચુ ગમારાની ધરપકડ કરી છે. જ્યારે કુખ્યાત નિખિલ દોંગા ગેંગનો સાગરીત નરેશ રાજુ સિંધવ હાલ પાટણ જેલમાં હોવાથી અને તેનો ભાઈ અને આ સમગ્ર જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કમલેશ ગોંડલ સબ જેલમાં હોવાથી આ બંનેનો કબજો મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
ગોંડલમાં નારાયણનગરમાં રહેતા મુળ ચરખડી ગામના વતની ગજેન્દ્રભાઈ ઉર્ફે ગીજુભાઈ શિવાભાઈ સાંગાણી ખેતી કરે છે. તેણે વીરપુર ગામની સીમમાં રેવન્યુ સર્વે નં.૫૬૦ પૈકીની આશરે ૯૦ વીઘા જમીનમાંથી ૪૦ વીઘા ખેતીની જમીન તેના મૂળ માલિક ભનુભાઈ સોમાભાઈ મકવાણા પાસેથી ૧૯૮૭માં ખરીદ કરી હતી. ૧૯૯૨માં બીજી ૪૫ વીઘા જમીન ખરીદ કરી હતી. આ રીતે ૮૫ વીઘા જમીન પરિવારના સભ્યોના નામે ખરીદ કરી હતી. તે વખતે જમીનના માલિક ભનુભાઈએ તેને વિનંતી કરી હતી કે તેની પાસે હવે બીજી કોઈ જમીન નથી. જેથી પોતે ખેડૂત ખાતેદાર રહે તે માટે ૯૦ વીઘામાંથી બચેલી પાંચ વીઘા જમીન પાંચ વર્ષ સુધી તેની પાસે રહેવા દેવામાં આવે જેથી તે પાંચ વીઘા જમીનનો દસ્તાવેજ કરાવ્યો ન હતો.
૧૯૯૬-૯૭ની સાલમાં તેણે કોટડા સાંગાણીમાં આઈસ ફેક્ટરી બનાવવા માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકમાંથી ૩૩ લાખની લોન લીધી હતી. બે વર્ષ ફેક્ટરી ચલાવી હતી, પરંતુ ખોટ આવતા અને બેંકના હપ્તા ભરી નહીં શકતા આર્થિક ભીંસમાં આવી ગયા હતા. તેને બેંકની લોન અને ૩૫ લાખ રૂપિયાનું ઈલેક્ટ્રીક બીલ ભરવાનું હતું. જેથી આ કરજામાંથી બહાર નીકળવા માટે વીરપુર ગામની સીમમાં આવેલ પોતાની ૮૫ વીઘા જમીન વેચવાનું નક્કી કર્યું હતું.
માર્ચ-૨૦૦૧માં ૪૦ વીઘા જમીન જયેશ હિરજી વીરડિયા (રહે. ગોંડલ, હાલ રાજકોટ) અને તેના પિતરાઈ ભાઈ ધીરૂ ભગા વીરડિયાને રૂા.૨૪.૪૦ લાખમાં વેચી નાખી હતી, એટલું જ નહીં જયેશે કહ્યું તે પ્રમાણે તેને દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. તેને નાણાંની ખૂબ જ જરૂર હોવાથી અવાર-નવાર જયેશને જમીનના પૈસા ચૂકવી દેવા કહેતા હતા, પરંતુ તેણે રકમ ચૂકવી ન હતી. આખરે તેણે ૨૦૦૧ની સાલમાં જેતપુરના મામલતદારને અરજી કરતા જમીનના વેચાણ સંદર્ભે આગળની કાર્યવાહી થઈ ન હતી.
૨૦૧૪ની સાલમાં તેણે ફરીથી વીરપુરની જમીન વેચવા કાઢી હતી. પરિણામે ગોંડલના કમલેશ રાજુ સિંધવે તેનો સંપર્ક કરી અગાઉ જમીન ખરીદનાર વીરડિયા બંધુ સાથે મીટીંગ કરાવી હતી. બંનેએ ૨૦૧૧માં તેમને વેચેલી જમીનના સોદા પેટે પેમેન્ટ કર્યું ન હોવાથી અને તેણે વાંધા અરજી કરી હોવાથી જમીન સંદર્ભે આગળની કોઈ કાર્યવાહી થઈ ન હતી, પરંતુ તેણે વીરડિયા બંધુઓને અગાઉ કરી આપેલો દસ્તાવેજ ઊભો હોવાથી બંને સાથે દસ્તાવેજ રદ્દ કરાવવા માટે થયેલી સમજૂતી મુજબની રકમ ચૂકવી આપતા આખરે ૨૦૦૧માં થયેલ દસ્તાવેજ રદ્દ કરી આપ્યા હતા. જેથી તેણે કોટડાસાંગાણી બેંકમાંથી ધંધા માટે લીધેલી લોન ભરપાઈ કરી હતી. જે તે વખતે લોનમાં તેના ગામના હરીભાઈ હુકાભાઈ કથીરીયા જામીન થયા હતા. જેના બદલામાં તેને તેની પુત્રી વિભાના નામની ૧૬ વીઘા ૬ ગુઠા જમીન તેના સાળી કંચનબેનના નામે કરી દીધી હતી. આ જમીન ઉપર કંચનબેને લોન લીધી હોવાથી તે લોનના વ્યાજ સહિત ૨.૩૦ લાખ ભરી તેણે લોન ચૂકતે કરી નાખી હતી. સાથોસાથ આ જમીન વેચવાની થાય ત્યારે તે કહે તે મુજબ દસ્તાવેજ કરી આપવાની સમજૂતી થઈ હતી.
આ રીતે વીરપુર સર્વે નં.૫૬૦ની જમીન તેના અને તેના પરિવારના સભ્યોના નામની થઈ જતાં તેણે ૮૫ વીઘા જમીનમાંથી ૭૫ વીઘા જમીનનો સોદો કમલેશ સિંધવ સાથે કર્યો હતો. એટલું જ નહીં તેના કહ્યા મુજબ તેણે અને તેના પરિવારના સભ્યો તથા કંચનબેને કમલેશના ભાઈ નરેશ અને રમેશના નામે દસ્તાવેજ પણ કરી આપ્યા હતા. એક વીઘાના ૮.૫૨ લાખ લેખે ૭ કરોડમાં જમીનનો મૌખિક સોદો થયો હતો. જેમાંથી આરોપીઓએ દસ્તાવેજમાં બતાવેલ જંત્રી મુજબની રકમ ૬૦.૧૧ લાખ, ૪ લાખ સુથી તથા અન્ય કટકે-કટકે ૮૬ લાખ એમ કુલ રૂા.દોઢ કરોડ ચૂકવ્યા હતા. તેણે જમીનમાં પાઈપલાઈન, કૂવા તથા અન્ય ખેતીના સામાન મળી જે ૨૫ લાખનો ખર્ચો કર્યો હતો તે અલગથી ચૂકવવાનું નક્કી કર્યું હતું. જેના અવેજ પેટે કમલેશ સિંધવે નોટરી રૂબરૂ તેની ઉમરાળી ગામની સર્વે નં.૨૯૫ પૈકી ૩ વાડી આશરે ૨૦ વીઘા ખેતરની જમીન તેના પુત્ર નિરવના નામે કરી આપી હતી.
ત્યારબાદ કમલેશે ખરીદ કરેલી તેની ૭૫ વીઘા જમીનનો પૂરતો અવેજ આજ સુધી ચૂકવ્યો ન હતો. એટલું જ નહીં આ જમીનને લાગુ તેની સર્વે નં.૫૬૦ પૈકી ૩ વાડી જમીનના આશરે ૧૦ વીઘા જમીન તથા ખેડૂત ભનુભાઈ મકવાણાના નામે આવેલ પાંચ વીઘા જમીન મળી કુલ ૧૫ વીઘા જમીન પણ આરોપીઓ કમલેશ, નરેશ અને ધીરૂ વગેરેએ પચાવી પાડી હતી. સાથોસાથ તેને અને ભનુ મકવાણા તથા તેના દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી, બળજબરીથી જમીન પર કબજો જમાવી લીધો હતો. આજની તારીખે પણ આરોપીઓ પાસે આ જમીન છે. આ પછી અવાર નવાર તે બાકીની રકમ લેવા માટે કમલેશને મળવા જતા અને આજીજી કરતા પરંતુ રકમ ચૂકવતો નહીં. તેણે ઉમરાળીની જમીન પોતાના નામે કરી આપવાનું કહેતા ૨૦૧૫માં દડવા મેલડી માતાના મંદિર સામે આવેલા તેના ફાર્મહાઉસે બોલાવી લાકડી વડે બેફામ માર માર્યો હતો. સાથોસાથ બીજીવાર અહીં આવ્યો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હુમલો થયો છતાં આરોપીઓના ડરના કારણે ફરિયાદ ન નોંધાવી
ફરિયાદી ગજેન્દ્રભાઈ સાંગાણીએ પોલીસને કહ્યું કે, ૨૦૧૫માં તે જમીનની રકમની ઉઘરાણી કરવા દડવા મેલડી માતાજીના મંદિર સામે આવેલા ફાર્મહાઉસે જતાં ત્યાં આરોપીઓ કમલેશ, રમેશ અને નરેશ ભરવાડે તેને હવે અમારે કોઈ રૂપિયા આપવાના થતા નથી, ઉમરાળીની જગ્યા પણ તારા નામે કરી આપવાની થતી નથી. તેમ કહી અપમાનીત કરી લાકડી વડે બેફામ માર મારતા તેના પગની ઘૂંટીના ભાગે ઈજા થઈ હતી. જેથી તેણે બુમો પાડતા આરોપી રમેશ તેને હોસ્પિટલ મુકી ગયો હતો. જ્યાં તેણે ઓપરેશન કરાવ્યું હતું. જે તે વખતે આરોપીઓના ભયના કારણે તેણે કોઈ ફરિયાદ કરી ન હતી, પરંતુ હાલમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ નવો કાયદો ઘડવામાં આવ્યાની જાણ થતાં તેનામાં હિંમત આવી હતી. જેથી તેણે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને અરજી કરી હતી. જેની તપાસના અંતે ગુનો દાખલ થયો હતો.
ભૂમાફિયાઓને નાથવા બનાવવામાં આવેલ નવા કાયદામાં 10 વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ, છ મહિનામાં કેસ પૂરો
રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ અંગે બે અરજીમાંથી એકમાં ગુનો દાખલ
રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, નવા બનેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦માં આરોપીઓને ૧૦ વર્ષ કરતા વધુની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં ૩૦ દિવસમાં પોલીસે ચાર્જશીટ કરવાનું રહેશે. આ કાયદા માટે સ્પેશિયલ કોર્ટની પણ રચના કરવામાં આવી છે. જેમાં ૬ મહિનામાં જ કેસ ચલાવી લેવાની જોગવાઈ છે.
ડીવાયએસપી રેન્કના અધિકારીને તપાસની સત્તા હોવાથી જેતપુરના એએસપીને તપાસ સોંપવામાં આવી છે. વીરપુરના જમીન કૌભાંડ અંગે જિલ્લા કલેક્ટરને અરજી થઈ હતી. આ અરજીની તપાસ એસપી ઓફિસ તરફ મોકલી આપવામા આવી હતી. જેથી એલસીબી પીઆઈ અજયસિંહ ગોહિલે પ્રાથમિક તપાસ કરતા ગુનો બનતો હોવાનું જણાઈ આવતા રિપોર્ટ કર્યો હતો. જે અંગે કલેક્ટરને અહેવાલ મોકલાયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલ લેન્ડ ગ્રેબીંગ અંગે રાજકોટ જિલ્લામાં બે અરજીઓ મળી હતી. જેમાંથી એક અરજીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી અરજીમાં હાલ તપાસ ચાલુ છે. નવા કાયદા અંગે જે કમિટી બનાવવામાં આવી છે તેમાં કલેક્ટર ઉપરાંત પોલીસ કમિશનર, એસપી, ડીડીઓ વગેરે અધિકારીઓનો સમાવેશ થાય છે.
Comments