મગફળી કૌભાંડ બાદ નવું કારસ્તાન બહાર આવ્યું
- જેતપુરનાં મેવાસાનાં ખેડૂતોએ મંડળીમાંથી ખરીદેલા ખાતરમાં ભેળસેળ
તંત્રએ સેમ્પલ લેબમાં મોકલ્યા
રાજકોટ, તા. 01 જાન્યુઆરી 2021, શુક્રવાર
સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદીમાં કૌભાડ બાદ હવે યુરીયા ખાતરમાં પથ્થરો અને માટીની ભેળસેળનું વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં મેવાસાનાં કેટલાક ખેડૂતોએ ખરીદેલા ખાતરમાં ભેળસેળની દરિયાદો મળતા કૃષિ વિભાગનાં અધિકારીઓએ દોડી જઈને સેમ્પલો લઈને લેબમાં મોકલી આપ્યા છે.
મેવાસા ગામની સહકારી મંડળીમાંથી ગામનાં કેટલાક ખેડૂતોએ કૃભકો નાં ખાતરની ખરીદી કરી હતી. આ ખાતરની શરૂઆતમાં ત્રણ બોરી ખોલતા ખેડૂતો અચંબામા પડી ગયા હતા. ખાતરમાં પાંચ કિલો જેટલી કાળી માટી અને પથ્થરો નીકળ્યા હતા. કેટલાક ખેડૂતોએ શંકા જતા ફરી મંડળીમાંથી ખાતરની થેલી ખરીદી હતી તેમાં પણ માટી નીકળી હતી.
યુરીયા ખાતર સફેદ હોય તેમાં કાળી માટી નીકળતા મોટા કોૈભાંડની આશંકાને લઈને ખેડૂતોએ સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી. કોઈ એક બેચની થેલીઓમાં ભેળસેળની શંકા સેવવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતોએ આ મૂદે તાલુકા મામલતદાર અને કૃષિ વિભાગનાં અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી. ખેડૂતોની ફરિયાદનાં પગલે કૃષિ વિભાગનાં અધિકારીઓએ ખેડૂતોને સાથે રાખી રોજકામ કરી સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા હોવાનું કૃષિ વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતુ.
Comments