દેશના લોકોને વેક્સિન મળે કે ના મળે પરંતુ વેક્સિનને લઈને દેશમાં રાજનીતિ ગરમાયેલી છે. વેક્સિનને લઈને રાજકિય પાર્ટીના નેતાઓના ઉટપટાંગ નિવેદન આવી રહ્યાં છે. એક તરફ અખિલેશ યાદવે વેક્સિન લેવાનો ઈનકાર કરી દીધો અને એ બાદ વિવાદ છંછેડાયો ત્યાં બિહારમાં કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ પણ વેક્સિનને લઈને નવું જ નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ વિધાયક દળના નેતા અજીત શર્માએ માંગ કરી છે કે જે રીતે વેક્સિનને લઈને જનતાનો વિશ્વાસ જીતવા માટે રશિયા અને અમેરીકાના રાષ્ટ્રપતિએ પહેલો ડોઝ પોતે લગાવ્યો હતો તેમ જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવવો જોઈએ જેથી જનતા વચ્ચે તેને લઈને વિશ્વાસ વધે.
તેમણે માંગ કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ભાજપના સિનિયર નેતાઓએ પણ કોરોના વેક્સિન સૌથી પહેલા લેવી જોઈએ જેથી લોકોમાં વેક્સિનને લઈને વિશ્વાસ ઉભો થાય. નવા વર્ષે બે વેક્સિન આવી છે. તે ખુશીની વાત છે પરંતુ તેને લઈને લોકો વચ્ચે કેટલીક શંકાઓ પણ છે. આ શંકાઓને દૂર કરવા માટે જે રીતે રશિયા અને અમેરીકાના રાષ્ટ્રપ્રમુખોએ પહેલા વેક્સિન લગાવીને લોકોને વિશ્વાસમાં લીધા. મારું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સૌથી સિનિયર નેતાઓએ પહેલા વેક્સિન લઈને લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ.
અજીત શર્માએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, દેશમાં આવેલી વેક્સિનનો શ્રેય ભાજપ લેવાની કોશિશ કરે છે. સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક, જે બે કંપનીઓએ કોરોના વેક્સિન તૈયાર કરી છે ખરેખર આ બંન્ને કંપનીઓ કોંગ્રેસના જમાનામાં સ્થાપિત થઈ હતી. વેક્સિન આવ્યા બાદ ભાજપ દરેક તરફ થાળી વગાડાવી રહી છે અને ખુશી મનાવી રહી છે. પરંતુ કોંગ્રેસને પણ શ્રેય મળવો જોઈએ કારણ કે કોંગ્રેસના જ કાર્યકાળમાં આ બંન્ને કંપનીઓ સ્થાપિત થઈ હતી.
Kommentare