ગીરનાર પર રામકથા : ગરવા ગીરનારની ટોચ પર મોરારિબાપુની રામકથાનો પ્રારંભ, શ્રોતા વગર વર્ચ્યુલ કથા યોજાઈ
- ab2 news
- Oct 17, 2020
- 1 min read
ગીરનારની ટોચ પર કમંડળ કુંડ ખાતે આયોજીત કરાયેલી બાપુની આ 849મી કથા છે
આજે પ્રથમ નોરતે મોરારિબાપુની 849મી રામકથા ગીરનારની ટોચ પર આવેલા કમંડળકુંડમાં શ્રોતા વિનાની વર્ચ્યુલ કથા યોજવામાં આવી છે. ગીરનાર પર્વત પર અંબાજી મંદિર પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઉતરીને દત્તાત્રેય તરફ જતાં માર્ગ પર ‘કમંડલ કુંડ’ આવે છે. અહીં આજથી મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલા તુલસીશ્યામ પર 700 પગથિયા ઉપર આવેલા મા રૂકમણીજીનાં ચરણોમાં કથાગાન થયું હતું. મોરારિબાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્ય તંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાવામાં આવી છે. વાદ્યકારો અને થોડા ટેકનિશિયન સિવાય કથામાં કોઈ શ્રોતા નથી.
કોરોનાના કપરા કાળમાં બાપુની શ્રોતા વગરની છઠ્ઠી રામકથા કથા છે : રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા ગીરનારની ટોચ પર કમંડળ કુંડ ખાતે આયોજીત કરાયેલી બાપુની આ 849મી કથા છે. સોરઠના અવધૂત જોગંદર સમાન ગીરનાર પર્વત પરની આ પ્રથમ ઐતિહાસિક કથા છે. અદભૂત સ્થાન પર કોરોનાના કપરા કાળમાં બાપુની શ્રોતા વગરની છઠ્ઠી રામકથા કથા છે. નવલા નોરતાના પાવન અવસર પર આજે સવારે 9:30 વાગ્યાથી આ કથાનો પ્રારંભ થયો છે.
તમામ નીતિ-નિયમોને આધિન આ કથાનું આયોજન કરાયું : ગીરનાર પર્વત પર 3000 ફૂટની ઊંચાઈએ પણ અન્નક્ષેત્ર ચાલે છે. આ પહેલા પણ જુનાગઢ શહેર અને પંથકમાં કથા ગાન થયું છે. પરંતુ હિમાલય પરનું કૈલાસ-માનસરોવર, નિલગીરી પર્વત પરનું ભૂસંડી સરોવર, બર્ફાની બાબા અમરનાથ તેમજ ચારધામ- બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી જેવા દુર્ગમ ક્ષેત્રમાં રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારીબાપુ ગીરનાર પર્વત પર પહેલીવાર કથા કરી રહ્યાં છે. ‘કમંડલ કુંડં’ની આ કથા કરવી એવો રાજકોટના જયંતીભાઈ ચાંદ્રા અને ચાંદ્રા પરિવારનો મનોરથ હતો. જયંતિભાઈએ ગીરનાર ક્ષેત્રના તમામ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો પાસે રૂબરૂ જઇને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. વન વિભાગથી લઈને
સરકારી તંત્રની મંજૂરીની તમામ ઔપચારિકતા તેમણે પૂર્ણ કરી છે. બધાં જ નીતિ-નિયમોને આધિન રહીને આ કથાનું આયોજન કરાયું છે. શ્રોતાઓ આસ્થા ચેનલનાં માધ્યમથી તેમજ યુ-ટ્યૂબ પરથી કથાગાનનું લાઇવ પ્રસારણ જોઇ શકાશે.
અંબાજી મંદિર ખાતે મોરારીબાપુએ પોથી પધરાવીને માતાજીને પ્રાર્થના કરી : ગીરનારની ટોચ પર બિરાજમાન જગતજનનીમાં અંબાજી મંદિર ખાતે મોરારીબાપુએ ગઈકાલે પોથી પધરાવીને માતાજીને પ્રાર્થના કરી હતી. આ તકે મંદિરના મહંત મોટાપીરબાવા, તનસુખગીરીબાપુએ પોથીનું પૂજન કરી આશીર્વાદ આપીને માતાજીની પ્રસાદ રૂપે ચૂંદડી અર્પણ કરી હતી.
Comments