શાહની સમજાવટ: સરકાર અને સી.આર.પાટીલ વચ્ચેનો વિવાદ અમિત શાહ સુધી પહોંચ્યો, બંનેને પેટાચૂંટણીમાં લાગી
- ab2 news
- Oct 17, 2020
- 2 min read

અમદાવાદ આવેલા અમિત શાહે સરકાર અને સી.આર. પાટીલને સાનમાં સમજાવી દીધાં.
ગુજરાત ભાજપના પ્રમુખપદે આવ્યા બાદ સી.આર.પાટીલે કરેલાં બેફામ જાહેર નિવેદનોને કારણે સરકાર અને સી.આર.વચ્ચે આંતરિક વિવાદ ઊભો થયો હતો, જેની ફરિયાદ છેક ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચી હતી. અમદાવાદ આવેલા અમિત શાહે સરકાર અને સી.આર.ને સાનમાં સમજાવી દીધા હતા અને તેમને પેટાચૂંટણીમાં લાગી જવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારથી પાટીલ પ્રદેશપ્રમુખ બન્યા ત્યારથી સરકાર અને સંગઠન આમને-સામને : ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ચાર્જ સંભાળતાંની સાથે જ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી કહ્યું હતું કે ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યમંત્રી રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જિતાડવા કૉંગ્રેસના 8 ધારાસભ્યને ભાજપમાં લેવામાં આવ્યા હતા એ મામલે પણ આકરા પ્રહારો કર્યા હતા. એની સાથે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપવા મામલે પણ સી.આર.પાટીલે વિરોધનો
સૂર વ્યક્ત કર્યો હતો. પરિણામે, ભાજપની રૂપાણી સરકાર અને સી.આર. વચ્ચે વિખવાદ ઊભો થયો હતો. આ અંગેની ફરિયાદો અને રજૂઆત છેક અમિત શાહ સુધી પહોંચી હતી, તેથી હાલ અમદાવાદ આવેલા અમિત શાહે સી.આર.પાટીલ અને સરકાર બંનેને સાનમાં સમજાવી તેમને પેટાચૂંટણીમાં લાગી જવાની સલાહ આપી હોવાનું જાણવા મળે છે.
પાટીલે કહ્યું, કોંગ્રેસના તકસાધુઓ માટે જગ્યા નથી તો કૃષિમંત્રી ફળદુએ આવકાર્યા : તાજેતરમાં જ સૌરાષ્ટ્રના એક કાર્યક્રમમાં પણ ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે એ સામે ભાજપ
પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે લાલ આંખ કરીને કહ્યું હતું કે કૉંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી. જ્યારે સરકારના મંત્રી આર.સી. ફળદુએ પાટીલથી જુદો સૂર કાઢ્યો છે. ફળદુએ કોંગ્રેસના નેતાઓને આવકારવાનો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું હતું કે વિકાસપ્રવાહમાં કોઈપણ જોડાઈ શકે છે.
કોંગ્રેસીઓને ટિકિટ મળી રહી હતી ત્યારે પાટીલ રોકી ન જ શક્યા, હવે ખભે બેસાડીને જિતાડવા પડશે : ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કૉંગ્રેસ નહીં, ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે, કેમ કે કૉંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે તો ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ માટે પણ આ જંગ એક લિટમસ ટેસ્ટ છે, ખાસ કરીને ભાજપપ્રમુખ પાટીલે તો કૉંગ્રેસમુક્ત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો અને હાલ એ જ પેરાશૂટને જિતાડવા પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
ભાજપે કોંગ્રેસમાંથી પાંચ પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી : વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આઠેય બેઠક જીતવાનો દાવો કર્યો છે. ભાજપે પોતાનો દાવો સાચો પાડવાના પ્રયાસરૂપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી છે. એની સામે કોંગ્રેસ માટે આઠેય બેઠક પર જીત મેળવવી એ તેની આબરૂ બચાવવા જેવું છે. એનું કારણ એ છે કે આ આઠેય બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે અને એના પરથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં ગયા હતા. એમાંથી પાંચને ભાજપે ટિકિટ પણ આપી છે, જેથી આ બેઠક જાળવીને ભાજપ પોતાના વિધાનસભ્યોની સંખ્યા વધારી શકે. આમ, ભાજપ માટે અહીં વકરો એટલો નફો છે તો કોંગ્રેસ માટે આબરૂ જાળવવાનો પડકાર છે.

Comentários